માર્ગ આને મંઝિલ
સર્વસંયોગનિરપેક્ષ શુદ્ધ આત્માનો આદર સ્વીકાર અને અનુભવ કર્યા વગર મોક્ષમાર્ગ પ્રગટતો નથી,
માર્ગના પ્રાગટ્ય વગર મંઝિલનું પ્રાગટ્ય પણ શક્ય નથી.
ભૌતિક જગતમાં માર્ગ મંઝિલ આપે છે, અધ્યાત્મ જગતમાં મંઝિલ જ માર્ગ આપે છે. એ માર્ગથી જ મંઝિલ સુધી પહોંચી શકાય છે અને પહોંચતાની સાથે માર્ગ અને મંઝિલ એક થઈ જાય છે, બે વચ્ચે ભેદ નથી રહેતો! શુદ્ધાત્મા એ મંઝિલ છે, તેની અનુભૂતિ તે માર્ગ છે. આત્માનુભૂતિ આત્મા દ્વારા જ થાય છે અર્થાત્ – મંઝિલમાંથી જ માર્ગ મળ્યો અને અનુભૂતિથી આત્મા સુધી પહોંચાય છે (આત્મસ્વરુપ થવાય છે). અનુભૂતિ એ પર્યાય છે અને આત્મા એ ત્રિકાલ-ધ્રુવ દ્રવ્ય છે. પર્યાય આત્માના જ છે, એ પર્યાયો જ્યારે આત્માસક્ત થાય છે, ત્યારે તેને સ્વાનુભૂતિ કહેવાય છે, પર્યાયો જ્યારે અનાત્માસક્ત હોય છે, ત્યારે તેને પરાનુભૂતિ/પુદ્ગલાનુભૂતિ કહેવાય છે.
પુદ્ગલાનુભૂતિ એ સંસાર અને સ્વાનુભૂતિ એ ધર્મ છે…
ધર્મથી મોક્ષ પમાય છે અર્થાત્ સ્વાનુભૂતિ દ્વારા જ શાશ્વત સ્વરૂપ સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે માર્ગથી મંઝિલ સુધી જવાય છે. આંશિક અનુભૂતિ વગર પૂર્ણાનુભૂતિ માટેનો સ્થિરતાલક્ષી પ્રયાસ પણ થતો નથી, તેથી ધર્મપુરુષાર્થ અનુભૂતિમૂલક છે, તે સમજવું. “સ્વાનુભૂતિ’ એકમાં જ એકનો યોગ છે, ચેતન-ચેતનાનું મિલન છે, માર્ગ અને મંઝિલ વચ્ચેનો ભ્રામક ભેદ સમાપ્ત થાય છે. તન્મયતા એ જ અધ્યાત્મમાર્ગનું મૌક્તિક – સૌંદર્ય છે. એકમાં જ તેની તન્મયતા હોય, એકની બીજામાં તન્મયતા ન હોય. આત્મા સ્વયં તન્મય થાય છે. આત્મામાં બીજું કોઈ નહીં, આત્મા જ તન્મય થઈ શકે… તન્મયતા એ સમાધિ છે. ભિન્ન-પર પદાર્થોમાં તન્મયતા થઈ શકે નહીં. તન્મયતાનો આભાસ માત્ર હોઈ શકે અને પરને આશ્રિત થવું એ અતન્મયતા છે. અતન્મયતા અસમાધિ છે. તન્મયતા એકત્વને બંધાયેલી છે અને પોતાનું એકત્વ આત્માશ્રયે પ્રગટ થાય છે. પરાશ્રયે જે પ્રગટે છે, તે છે ફક્ત વિકૃતિ, અનેકમયતા, અસમાધિ…
સૂર્યના કિરણો જલબિંદુઓના આશ્રયે મેઘધનુષ જેવી ક્ષણિક વિકૃતિ ઉત્પન્ન કરે, પરંતુ જે કિરણો સૂર્યના બિંબમાં તન્મય છે, તે કિરણો કેવળ સૂર્યના સ્વરૂપને જ પ્રદર્શિત કરે છે… અનાદિકાળથી આત્માના કિરણોથી પરના સંગે મેઘધનુષ જેવા ભ્રામક અને ક્ષણિક વિકૃતિઓની પરંપરાને ચલાવી છે… હવે એ જ જ્ઞાનકિરણોના મૂળ સુધી પહોંચીએ તો આત્મસ્વરૂપના દર્શન થાય…
ઉપયોગમાં મુખ્યત્વે શુદ્ધ આત્મતત્વની ઉપાદેયતા પ્રતિષ્ઠિત થાય તો જ અંતર્મુખતા આવે, અને અંતર્મુખ ઉપયોગ એ જ મોક્ષમાર્ગ બને. જ્યાં સુધી પર-પર્યાય કે પર-પદાર્થની ઉપાદેયતા ઉપયોગમાં રહેલી છે, ત્યાં સુધી બહિર્મુખતા જતી નથી અને બહિર્મુખતા તે ઉન્માર્ગ છે.
દેવ ગુરુ-શાસ્ત્ર-વ્રતાદિ વ્યવસ્થા અને પુણ્યાનુબંધી પુણ્ય આ સર્વેની ઉપાદેયતા પણ શુદ્ધ-સ્વરૂપના પ્રાગટ્ય માટેના પ્રબળ નિમિત્ત અને સાધનની અપેક્ષાએ જ છે. મુખ્ય-સાધ્ય તરીકે એકાંતે ઉપાદેય હોય તો તે માત્ર શુદ્ધ-સ્વરુપ જ છે.
મુખ્ય-સાધ્ય પ્રત્યે અરુચિ હોય અને સાધન પ્રત્યે રુચિ હોય, તો તે રુચિ પણ સાધન-સ્વરુપે નથી પણ પરની રુચિ રૂપે જ છે. વિભાવો શરીર કે સંયોગો પ્રત્યેની અનાદિકાલીન રુચિની જે જાતિ છે, એ જ જાતિની રુચિ જો દેવ-ગુરુ આદિ પ્રત્યે હોય, તો તે પણ ભૌતિકતા જ છે, બહિર્મુખતા છે. કર્તૃત્વાદિ દોષો ત્યાં હોય છે. સ્વરુપનો આશ્રય કરવાથી અથવા આશ્રયરુપે આદરવાથી અથવા સ્વરુપની અરુચિ ન હોવાથી લોકોત્તરતા અને અંતર્મુખતા ઉત્પન્ન થાય છે.
ચેતનાની સ્વાશ્રયિતા તે જ સ્વાનુભૂતિ છે.. અને જેમ જેમ તેમાં સ્થૈર્યવૃદ્ધિ થાય છે, તેમ તેમ વિશુદ્ધિ વધે છે… વિશુદ્ધિની વૃદ્ધિથી અધ્યવસાય સ્થાનકોમાં ઉપર ઉપર ચઢવાનું થાય અને તેના દ્વારા ગુણઠાણાની વૃદ્ધિ થાય છે… ગુણઠાણાની વૃદ્ધિમાં સંવર પ્રબળ બને છે..
દ્રવ્ય અને ભાવકર્મોની નિર્જરા થાય છે… પરંપરાએ મોક્ષ થાય છે…
તેથી સાદ્યંત માર્ગ-સ્વરુપના આશ્રયણની ઉત્તરોત્તર પ્રગાઢતા સ્વરુપ છે… માર્ગનો પ્રારંભ છે સ્વરુપની રુચિ…
સ્વરૂપની રુચિ દ્વારા સ્વરૂપમય બનવાના માર્ગે આગળ વધીએ એ જ આપણી તાત્ત્વિક-સાધકતા છે…
Responses