ચાલો ચૈતન્ય તીર્થની યાત્રાએ
એક રૂપકકથા
અધ્યાત્મજિજ્ઞાસુ વ્યક્તિ સમર્થ જ્ઞાની સંત પાસે પહોંચ્યો. વિનંતી કરી : “મને શુદ્ધ ચૈતન્ય તત્વની અનુભૂતિ કરવી છે. આપ સમર્થ છો. કૃપા કરી મને અનુભૂતિનું અમૃતપાન કરાવો.’
જ્ઞાની પુરુષે તેની અનુભૂતિની જિજ્ઞાસાને સંતોષવા પૂર્વે એક કામ સોપ્યું. નજીકમાં રહેલા મીઠા પાણીના દરિયામાં એક મત્સ્યને મળવાનું અને તે મત્સ્ય તમારી જિજ્ઞાસાને સંતોષ આપશે. તમે ત્યાં જાઓ, મળો, વિનંતી કરો.
સાધક ગયો દરિયામાં. પાણીમાં રહેલા મત્સ્યને મળ્યો.. વિનંતી કરી મને અનુભૂતિના આનંદમાં લઈ જાવ.
મત્સ્યે સામે કહ્યું, મારું એક કામ તમે કરો તો કામ તમારું થઈ જશે. હું ઘણા સમયથી તરસ્યો છું. ગમે ત્યાંથી પણ પાણી લાવી આપો.. તમે પાણી લાવવા માટે સમર્થ છો. મહાપુરુષ છો. મારા જેવાને તમે જ મદદ કરી શકો તેમ છો. કરો મારા પર કૃપા ને લાવો પાણી.
સાધકે કહ્યું : તમે તો કમાલ છો.. મીઠા પાણીનાં દરિયામાં જ છો. તમારી આજુબાજુ સર્વત્ર પાણી-પાણી જ છે. તમે તરસ્યા છો? આશ્ચર્ય ઉપજાવે છે. તમારા જીવનની કથની પાણીની વચ્ચે છતાં પ્યાસા. તમારે ક્યાં કોઈની જરૂર છે. બસ મોઢું ખોલો ને પીઓ પાણી, મીટાવો તરસ ને માણો તૃપ્તિ.
મત્સ્ય : અચ્છા! એમ છે. હું પાણીની વચ્ચે જ છું! સરસ તો ભાઈ! તમે ક્યાં છો? જેની અનુભૂતિ તમારે કરવી છે, તે તમારી પાસે જ છે. તમારી અંદર જ છે. તમારું અસ્તિત્વ તમે જ પોતે છો. શુદ્ધ ચૈતન્યસ્વરુપ પોતાની અંદર જ વિલસી રહ્યું છે. બસ ફક્ત તમારા ઉપયોગને સ્વરુપ સાથે અભેદ કરો ને અનુભૂતિનાં અમૃતપાનમાં ડૂબો. ઉપયોગને પરનાં જોડાણથી તોડોને સ્વ સાથે આનંદ કરો. અનુભૂતિ તમારા હાથમાં જ છે.
અધ્યાત્મ જગતમાં એક સમીકરણ નિશ્ચિત છે. તમારે પ્રાપ્તિ નથી કરવાની, માત્ર પ્રગટીકરણ જ કરવાનું છે. ભૌતિક જગત પ્રાપ્તિ તરફ દોડે છે. અધ્યાત્મ જગત પ્રગટીકરણ તરફ ઢળે છે. જગત પ્રાપ્તિની પરિભાષામાં છે. ચૈતન્ય જગત પ્રગટીકરણની પરિભાષામાં છે. સ્વરુપ ત્રિકાળ ધ્રુવ છે જ. ત્રણે કાળમાં ક્યારેય એવો સમય નથી આવ્યો કે આપણું ચૈતન્ય આપણી પાસે ન હોય. ઉત્પાદવ્યયરૂપે પર્યાયો ભલે પલટાયા કરે ક્ષણે ક્ષણે, પણ દ્રવ્યનું પોતાનું સ્વરુપ ધ્રુવ છે, જેવું છે તેવું જ રહે છે. તે મૂળ સ્વરુપમાં પલટો ક્યારેય નથી આવતો.
કોઈપણ દ્રવ્ય પોતાનાં મૂળ સ્વરુપનો ત્યાગ ક્યારેય કરતું નથી. ગમે તેટલા, ગમે તેવા, ગમે તે સ્થિતિનાં કર્મો આત્મા પર લાગે અર્થાત્ આત્મપ્રદેશ પર બદ્ધ થાય, તો પણ આત્માનું મૂળ સ્વરુપ તો તેવું ને તેવું જ રહે છે. સ્વરૂપનો મહિમા અદ્ભૂત અને અલૌકિક છે. કર્મો સ્વરૂપને આવરી શકે છે, પણ સ્વરૂપને ઓગાળી શકતા નથી. નાશ નથી કરી શકતા. આત્માના સ્વરુપનાં મહિમાને ગાતા તત્વચિંતક શ્રી પન્નાલાલભાઈ
ગાંધી દ્વારા બહુ મઝાની વાત કહેવાયેલી કે –
આત્માનાં અસંખ્યાત પ્રદેશો છે. એક એક પ્રદેશ પર અનંત અનંત ગુણોનો વાસ છે. “એક એક પ્રદેશ તાહરે અનંત ગુણોનો વાસ રે’ તેમાંથી એક ગુણનાં એક અંશને દબાવવા માટે કર્મસત્તાને (પુદ્ગલને) કર્મવર્ગણા સ્વરૂપે અનંતી ફોજ લગાવવી પડે છે, ત્યારે એક અંશ માત્ર દબાય છે. આવરણ છે, પણ નષ્ટ તો નથી જ થતો. આવું છે આત્માનું ઐશ્વર્ય, આ છે સ્વરુપનો મહિમા અને આવો મહિમાવંતો આત્મા જ્યારે “હું ચૈતન્યસ્વરૂપી શુદ્ધાત્મા છું’ આવી શ્રદ્ધા અને આવા બોધપૂર્વકની જાગૃતિ કેળવે છે, ત્યારે જાગૃતિમાત્રથી આત્મપ્રદેશ પરથી કર્મો-કાર્મણવર્ગણાની ફોજ ફટાફટ રવાના થવા માંડે છે.
આજનાં રાજકીય સમીકરણનાં સંઘર્ષમાં વાત કરું તો આતંકવાદીઓનાં ત્રાસને દૂર કરવા, આતંકવાદને ઉડાડવા નરેન્દ્ર મોદીએ એરસ્ટ્રાઈક કરી ત્યાં જવુ પડે છે પણ આત્મા પર બેઠેલા આ કાર્મણ વર્ગણાનાં આતંકીઓને હટાવવા આત્માની જાગૃતિપૂર્વકની એક નજર કાફી છે. નજર પડતાં જ તે ફોજ રવાના થવા માંડે છે. તે ગુણના પ્રગટીકરણનું કાર્ય સહેલાઈથી થવા લાગે છે.
“આ હું શુદ્ધ સ્વરૂપથી ચિદાનંદઘન આત્મા જ છું’ આવી જાગૃતિ – આવો બોધ અને આવી શ્રદ્ધાને ઘૂંટવા માટે પણ ત્રણ આલંબનોમાં આપણે વારંવાર જવું પડશે.
પરમાત્માનાં દર્શન : પ્રભુનું દર્શન માત્ર પ્રતિમારૂપે જ નહીં. “આ ભગવાન છે.’ તેટલા રૂપે પણ નહીં, પરંતુ પ્રભુમાં પ્રભુના પ્રભુત્વનું દર્શન. વીતરાગતા-પ્રશમરસ નિમગ્નતા- નિર્વિકલ્પતા-નિર્વિકારિતા-કેવલજ્ઞાન-અનંતઆનંદ-સિદ્ધત્વ અનંતવીર્ય ને સમાધિરસથી પૂર્ણદર્શન આ છે પ્રભુમાં પ્રભુત્વનું દર્શન. પરાવાણીનાં ઉદ્ગાતા દેવચંદ્રજી મહારાજે કરેલી દર્શનની અભિવ્યક્તિ નવમા ભગવાનનાં સ્તવનમાં અદ્ભુત ભાવ સાથે થઈ છે.
“દીઠો સુવિધિજિણંદ સમાધિરસે ભર્યો હો લાલ.’
પૂ. અધ્યાત્મ યોગી દેવચંદ્રજી મ. પ્રભુનાં દર્શન કરતાં કરતાં કઈ ભાવધારામાં ચાલ્યા ગયા, તેનું સુરેખ અને સ્પષ્ટ દર્શન આ સ્તવનમાં થાય છે.
પ્રભુનું પ્રશમરસ નિમગ્ન સમાધિરસ ભરપુર પૂર્ણદર્શન પૂ. દેવચંદદ્રજી મ. કર્યુ.
વિઠોબા નામનાં એક પંડિતની 50મી બર્થે-ડે હતી. તેમનાં પિતાશ્રીએ 50ની ઉંમરે પહોંચેલા વિદ્વાન પુત્રને કહ્યું : બેટા! 50 વર્ષની આ જીવનયાત્રામાં તું ક્યારેય પ્રભુનાં દર્શને ગયો નથી. મને તારી બહુ ચિંતા છે. આજે તારા માટે મૂલ્યવાન દિવસ છે, તું આજે તો પ્રભુનાં દર્શને જરૂર જઈ આવ.
જન્મદિવસ પિતાજી-માતાજીની પ્રેરણા વિઠોબાને થયું કે ચાલો આજે ક્યાં ના પાડવી ને દુઃખી કરવા. તેઓશ્રીની ઈચ્છા છે તો પ્રભુ દર્શને જઈ આવું. ને નીકળ્યા. પહોંચ્યા મંદિરે…
કલાક… બે કલાક પૂર્ણ થયા. પણ હજુ વિઠોબા પાછા નથી આવ્યા એ સમાચારે પિતા અકળાયા. વિચારે મન ચઢ્યું. કાંઈ દુઃખ તો નહીં લાગ્યું હોય ને? હું પણ જઈ આવું મંદિરે…
ગયા ને પુત્ર મળ્યો, પણ…
પુત્રે કહ્યું : પિતાજી! આપનો આભાર.. ખૂબ ઉપકાર.. આપનાં આ ઉપકારનું ઋણ જન્મોજન્મ પણ નહીં ચૂકવી શકું. તમે જેમનાં દર્શને મને મોકલ્યો 50મા વર્ષે પણ પ્રભુએ તો એવી કૃપા કરી કે મને સીધો સ્પર્શ આપી દીધો. હું તો દર્શન કરતાં જ ઠરી ગયો. સ્થિર થઈ ગયો ને પછી મારા મનનો કબજો પ્રભુએ લઈ લીધો. બસ હવે હું સંપૂર્ણ પ્રભુનો જ છું. મારે માટે તો જે યોગ્ય હતું તે પ્રભુએ મને આપી દીધું છે…
Responses